Explore

Search

June 20, 2026

Contact us -7820092500

IAS Coaching

વાલોડનો અબ્દુલ કાદીર ઉર્ફે કાલીયો ગુલામહુસેન બાંગી ગાંજા સાથે ઝડપાયો, સુરતનું કનેક્શન ખુલ્યું

તાપી જિલ્લાને નશાના દલદલમાં ધકેલવાનો વધુ એક કાળો કારોબાર એસ.ઓ.જી.ની સજાગતાને કારણે ખુલ્લો પડ્યો છે. વાલોડના પુલ ફળિયા વિસ્તારમાં ઘરની અંદર જ ચાલી રહેલા નશાના નેટવર્ક પર પોલીસે ત્રાટકીને એક કુખ્યાત બુટલેગરને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. જોકે, આ પકડાયેલો શખ્સ તો માત્ર એક નાનું મહોરું હોવાની આશંકા સેવાઈ રહી છે અને તેની પાછળ ‘મોટા માથાઓ’ સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા છે.

એસ.ઓ.જી. તાપીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી. ગરાસીયા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાલોડના પુલ ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ઘરમાંથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઘટનાસ્થળેથી અબ્દુલ કાદીર ઉર્ફે કાલીયો ગુલામહુસેન બાંગી (રહે.પુલ ફળિયુ, વાલોડ, જી.તાપી) નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી પોતાના ઘરમાં જ વગર પાસ-પરમીટે ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી ૧૫૪ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૭,૭૦૦/-), એક વીવો કંપનીનો સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧૩,૭૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્કના છેડા સુરત સુધી લંબાયા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી અબ્દુલ કાદીર ઉર્ફે કાલીયોને આ નશાનો જથ્થો પૂરો પાડનાર સુરતના અશ્વિનીકુમાર રેલ્વે પટરી વિસ્તારનો અજીત શાહુ નામનો શખ્સ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયો છે. આ મામલે વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. ગીલાતરને સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચીને અસલી ગુનેગારોના ચહેરા પરથી નકાબ હટાવે છે કે પછી તપાસ માત્ર આ નાના પેડલરો સુધી જ સીમિત રહી જાય છે!

સુરતથી તાપી સુધી ગાંજાની આ હેરાફેરી માત્ર આ બે ઇસમોના જોરે ચાલી રહી હતી? પોલીસ અને જનતા પણ સારી રીતે જાણે છે કે ડ્રગ્સ અને ગાંજાના આ કાળા કારોબારમાં જ્યાં સુધી કોઈ મોટા ગજાના આકાઓ કે ‘સફેદપોશ માથાઓ’ની છત્રછાયા ન હોય, ત્યાં સુધી આવો વેપાર આટલી આસાનીથી ન ફૂલે-ફાલે. અજીત શાહુની પાછળ અસલી કિંગપિન કોણ છે? તાપી અને સુરતના યુવાધનને બરબાદ કરવા પાછળ હજી કેટલા મોટા માથાઓ પડદા પાછળ રહીને દોરી સંચાર કરી રહ્યા છે, તે હવે તપાસનો વિષય બન્યો છે.

Advertisement
error: Content is protected !!