નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં મરોલી બજાર મહુવર રાજા ફળિયામાં રહેતા યુવકે અગમ્ય કારણસર પોતાના હાથે ગળા ઉપર ચાકુ ફેરવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, જલાલપોરના પોંસરા ગામના રાજા ફળિયામાં રહેતા ૩૪ વર્ષીય ધર્મેશભાઈ ચીમનભાઈ રાઠોડ નાંએ તારીખ ૧૫ જૂનનાં રોજ રાત્રીએ પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણસર પોતાના હાથે ગળા ઉપર ચાકુ ફેરવી દેતા તેના પરિવારજનો લોહીલુહાણ હાલતમાં સારવાર માટે મરોલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.
જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જયારે યુવકે પોતાના હાથથી ગળા પર ચાકુ ફેરવી આપઘાત કરી લેનાર ધર્મેશ રાઠોડ અપરિણીત હતો અને તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેણે કયા કારણસર જીવન ટૂંકાવ્યું તે જાણી શકાય એવું નથી. ઘટના અંગે મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


