વલસાડ જિલ્લાનાં બરૂમાળ ગામનાં ગુરુધામ ફળિયામાં છોટુભાઈ મનુભાઈ ગાવિત તેમની પત્ની રાધાબેન, પુત્રી પ્રજ્ઞાબેન અને પુત્ર પ્રતીક સાથે રહે છે. તેમની માલિકીની જમીનમાં ગુલાબભાઈ જીવલયાભાઈ માહલા, પુત્રી લતાબેન, નાનાભાઈ મંગળભાઈ અને પુત્ર જગદીશ ઉર્ફે લાલુ કાચું મકાન બનાવીને રહેતા હતા. જયારે માહલા પરિવારના સભ્યો કાચું મકાન તોડી, તેના સ્થાને પાકું અને મોટું મકાન બનાવવાની શરૂઆત કરી હતી. જેથી છોટુભાઈની પત્ની રાધાબેન, પુત્રી પ્રજ્ઞા અને વિધવા બહેન ગંગાબેને ગુલાબભાઈ અને તેમના નાના ભાઈ મંગળભાઈને તેઓ તેમની માલિકીની જમીનમાં રહે તો તેની સામે વાંધો નહિ હોવાનું જણાવી, આ સ્થળે મોટું મકાન નહિ બનાવવા ટકોર કરી હતી. જે બાબતથી ઉશ્કેરાયેલા માહલા બંધુઓએ ગાવિત પરિવારની ત્રણેય મહિલાઓને અપશબ્દો કહ્યા હતા.
આથી રાધાબેને ગાળો નહિ આપવાનું જણાવતાં ભૂરાટા બનેલા ગુલાબભાઈએ પાવડો લઈ રાધાબેનને કપાળના ભાગે મારી દેતાં રાધાબેન લોહી-લુહાણ થઈ ગયા હતા. તે સમયે આ સ્થળે હાજર મંગળભાઈએ પણ રાધાબેનને લાકડી લઈને મારવાનું શરૂ કરતાં રાધાબેનની વિધવા નણંદ ગંગાબેન અને પુત્રી પ્રજ્ઞાબેન રાધાબેનને બચાવવા દોડી જતાં, ગુલાબભાઈએ પાવડાના હાથા વડે ગંગાબેન પર હુમલ કરતાં તેણીએ સ્વબચાવમાં હાથ આગળ કરી દેતાં, હાથમાં ગંભીર ઈજા થઈ હતી. માતાને બચાવવા દોડી આવેલી પુત્રી પ્રજ્ઞાબેનનું ગળું ગુલાબભાઈએ પકડી પાવડાના હાથા વડે માર માર્યો હતો. આ ગુલાબભાઈની પુત્રી લતાબેન અને પુત્ર જગદીશ ઉર્ફે લાલુ તથા માતા તેમજ બહેન અને ફોઈને બચાવવા દોડી આવેલા પ્રતીકને ગુલાબભાઈની પુત્રી લતાએ પકડી રાખતાં ગુલાબભાઈ, મંગળભાઈ અને જગદીશે પ્રતીકને પણ પાવડા અને લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.


