વલસાડ જિલ્લાનાં ભીલાડ રેલવે ફાટક પાસે નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર સર્જાયેલ અકસ્માતમાં ટ્રકે ડસ્ટર કારને ટક્કર માર્યા બાદ ઊભેલી ઈનોવા કાર તથા અન્ય એક ટેમ્પોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સેલવાસના આંબલી ફુવારા ખાતે રહેતા ભાવેશભાઈ નટુભાઈ પટેલ રવિવારે પરિવારના સભ્યો સાથે ઈનોવા કાર લઈને કનાડુ-બિલીયા ગામે જવા નીકળ્યા હતા.
તે સમયે બપોરે તેઓ ભીલાડ ફાટક પાસે સર્વિસ રોડ પર ઊભા હતા. તે દરમિયાન મુંબઈ તરફથી વાપી તરફ આવતી ટાટા ટ્રકનાં ચાલક અખિલેશ પ્રભુભાઈ પાલે (રહે.ઊંઝા, મહેસાણા, મૂળ રહે. યુ.પી.) પોતાની ટ્રકને ગફલતભરી રીતે હંકારી લાવી સર્વિસ રોડ પરથી હાઈવે પર આવતી ડસ્ટર કારને ટક્કર મારી હતી. જે બાદ ચાલકે ટ્રકના સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી સર્વિસ રોડ પર ઊભેલી ભાવેશભાઈની ઈનોવા કાર તેમજ કેરી ભરેલા ટેમ્પોને જોરદાર ટક્કર વાગી હતી.
આ ટક્કરને કારણે ઈનોવા કારમાં બેસેલા પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થતાં તાત્કાલિક વાપીની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે, ભાવેશભાઈના ફોઈ મંજુબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક ભીલાડ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.(ફાઈલ ફોટો)


