સુરત જિલ્લાનાં કામરેજ ચાર રસ્તા પર સ્થાનિક પોલીસ અને સુડા દ્વારા સંયુક્ત ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, સુરત શહેરનાં કામરેજ ચોકડી પર છેલ્લા કેટલાક સમયથી રોડની આજુબાજુ મોટાપાયે દબાણો કરાતા ટ્રાફિકની સમસ્યા જટિલ બની હતી. એથી અહીં ગેરકાયદેસર બાંધકામોના પગલે વારંવાર કામરેજ ચોકડી પર ટ્રાફિકનો માહોલ સર્જાઈ રહ્યો હતો. જોકે ગત સપ્તાહે રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્યની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સંકલનની મિટિંગ મળી હતી. જેમાં થણા સમયથી થતાં ગેરકાયદે દબાણ મામલે મંત્રીએ સુડાના અધિકારીઓને આડે હાથ લીધા હતા.
જેના કારણે સુડા અને કામરેજ પોલીસ હરકતમાં આવી કામરેજ ચાર રસ્તાથી બંને દિશામાં કિલોમીટરો સુધી થયેલા આડેધડ અડચણરૂપ થયેલા સફાયો કર્યો હતો. સવારથી મોડી સાંજે સુધી ચાલેલી આ પ્રક્રિયામાં કામરેજ PI ટીમ સાથે હાજર રહ્યા હતા. કામરેજ ચાર રસ્તાનાં બંને સર્વિસ રોડ પર કામરેજ બાપા સીતારામ રોડ મળી સૌથી વધુ ટ્રાફિક પ્રભાવિત કામરેજ ચોકડી જેવા વિસ્તારોમાં સુડા અને સ્થાનિક પોલીસે ૧૦૦ જેટલા નાના મોટા દબાણો હટાવી પાંચથી વધુ ટ્રકોમાં બિનઅધિકૃત લારી-ગલ્લાઓ ઉઠાવી લીધા હતા.
આમ, પોલીસે જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરાયેલી ૩૦ રિક્ષા ડિટેઇન કરી હતી. માર્ગ પર વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરતા અન્ય ૭૦ જેટલા વાહનોના ચાલકોને મેમો ફાડાર્યો હતો. દબાણ વિભાગે વેપારીઓનો રસ્તે મુકાયેલો સામાન જપ્ત કર્યો હતો. કામરેજ PIએ જણાવ્યું હતું કે, કામરેજ ચાર રસ્તા અને તેની આસપાસનાં સર્વિસ રોડ પર એક કિલોમીટર સુધીનો વિસ્તાર નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયેલો હોવા છતાં અહીં અવાર-નવાર ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાતી હતી જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા અને જેથી હવે આખો રસ્તો ક્લિયર કરી દેવાતા વાહન ચાલકોને રાહત મળશે.(file photo)


