વ્યારા : જેસીંગપુરા ગામની સીમમાંથી પસાર થતા ઉનાઇ-વ્યારા નેશનલ હાઇવે નંબર ૫૬ પર ગત મંગળવારે રાત્રે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર ૩૭ વર્ષીય યુવકનું સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પૂરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારી અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજ્ઞાત ચાલક સામે વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વ્યારાની કાનપુરા સ્થિત ‘ફ્લાવર સીટી રેસીડન્સી’ માં રહેતા અને વાંસદા તાલુકાના લાછકડી ખાતે ‘બાયફ ડેવલપમેન્ટ રીસર્ચ ફાઉન્ડેશન’ માં એન્ટરપ્રાઇઝ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા હિમાંશુભાઇ અમરસિંહ ગામીત (ઉં.વ. ૩૭) ગત ૨ જૂનના રોજ રાત્રે આશરે નવેક વાગ્યે પોતાની એક્ટિવા મોપેડ પર નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જેસીંગપુરા ગામની સીમમાં વ્યારા તરફથી પૂરઝડપે આવતી એક મોટરસાયકલ ના ચાલકે તેમની મોપેડને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં હિમાંશુભાઇને માથાના ભાગે આંતરિક ગંભીર ઇજાઓ થતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેઓને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર હાલત જણાતા સુરતની યુનિક હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે ૨૪:૦૦ વાગ્યાના સુમારે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક હિમાંશુભાઇ પોતાના પરિવારના કમાતા સભ્ય હતા અને સંતાનમાં બે માસૂમ બાળકો (૭ વર્ષનો પુત્ર અને ૨ વર્ષની પુત્રી) ધરાવતા હતા, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વ્યારા તાલુકા પંચાયતમાં બ્લોક કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા મૃતકના પત્ની રોશનીબેન ગામીતે વ્યારા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


