સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં થયેલી ૨૨ વર્ષીય મહિલાની ઘાતકી હત્યાનો ભેદ સુરત જિલ્લા લોકલ કાઈમ બ્રાન્ચ અને પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો. સોશિયલ મીડિયા પર અન્ય મહિલા સાથેના સંપર્ક બાબતે થયેલા ઝઘડામાં પત્નીની હત્યા કરી ફરાર થયેલ પતિને પોલીસે જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી દબાવી લીધો હતો. ગત તારીખ ૧૭મી મે ૨૦૨૬ નારોજ બગુમરા ગામના ‘મહાદેવ વિલા’ના રૂમ નંબર ૫૦૬માંથી મૈવીશ ખાતૂન અજલ અલી (ઉ.વ.૨૨) નામની પરિણીતાની લાશ મળી આવી હતી.
શરૂઆતમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવતા જ પોલીસે આગળની વધુ તપાસ શરૂ કર્યો હતો.
ઘટના બાદ મૃતકનો પતિ શિવમ રણજીતસિંહ ઠાકુર (ઉ.વ.૨૫) ફરાર થઈ ગયો હોવાથી પોલીસને તેના પર સખત શંકા ગઈ હતી. સુરત જિલ્લા એલ. સી. બી. અને પલસાણા પોલીસની સંયુક્ત ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે દિલ્હી રવાના થઈ હતી.
આરોપી શિવમ ઠાકુર જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં હતો, બરાબર એ જ સમયે પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડયો હતો. આમ, પોલીસ પૂછપરછમાં આરોપી પતિએ પોતાનો ગુન્હો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય એક મહિલા સાથે સંપર્કમાં હતો. આ વાતની જાણ તેની પત્ની મૈવીશને થઈ જતાં બંને વચ્ચે અવારનવાર ઉંચ ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ આ જ મુદ્દે બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાઈને શિવમે મેવીશનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.

