સુરત જિલ્લાનાં તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક કતલના ઈરાદે લઈ જવાતા ચાર ભેંસના પાડિયાને કતલખાને લઈ જતા બે શખ્સોને પોલીસે રૂપિયા ૩.૮૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, તડકેશ્વર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. 
તે દરમિયાન તડકેશ્વર ગામની સીમમાં નવાપરા ફળિયાની પાછળ, સ્મશાનની બાજુમાં રોડ પરથી એક મહિન્દ્રા કંપનીનું બોલેરો પીકઅપ વાહન પસાર થતું હતો તેને રોકી પંચોની હાજરીમાં તપાસ કરતા તેમાં ઘાસચારા, પાણી કે હવા-ઉજાસની કોઈ વ્યવસ્થા વિના, ટૂંકા દોરડા વડે અત્યંત દયનીય અને ખીચોખીચ હાલતમાં બાંધેલા ચાર પાડિયા મળી આવ્યા હતા.
આ પશુઓની હેરાફેરી અંગે કોઈ પાસ, પરમિટ કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા હતા. આ ગુનામાં વાહન ચલાવી રહેલા જીગ્નેશભાઈ નટવરભાઈ પટેલ (ઉ.વ.૩૧, રહે.તડકેશ્વર ગામ, કાવા ફળિયું,અરેઠ) અને તેમની બાજુમાં બેસેલા અન્ય ઈમરાન ઈબ્રાહીમ જાદવત (ઉ.વ.૩૯., રહે.તડકેશ્વર ગામ, નવીનગરી ફળિયું,અરેઠ)ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા ૨૦ હજારની કિંમતના ૦૪ ભેંસના પાડિયા, રૂપિયા ૩.૫૦ લાખની કિંમતની બોલેરો પીકઅપ અને ૨ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૦ હજાર કબ્જે કર્યા હતા. બનાવ અંગે પોલીસ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

