Explore

Search

May 25, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લામાં ભાજપનો ઐતિહાસિક દબદબો: સોનગઢમાં આઝાદી પછી પહેલીવાર ભગવો લહેરાયો, ઉકાઈમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન

તાપી જિલ્લાની તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા જ સમગ્ર જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ચાલુ વર્ષની સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ યોજાયેલી આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) જિલ્લામાં પોતાનું પ્રભુત્વ સાબિત કરતા મોટાભાગની તાલુકા પંચાયતો કબજે કરી લીધી છે. બીજી તરફ, કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પડ્યાં છે.

સૌથી મોટો રાજકીય ઉલટફેર સોનગઢ તાલુકા પંચાયતમાં જોવા મળ્યો છે, જ્યાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો તાજ પહેર્યો છે. સોનગઢની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપને ૯ અને કોંગ્રેસને ૯ બેઠકો મળતા જબરદસ્ત ટાઈ સર્જાઈ હતી. બહુમતી સાબિત કરવા માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

ગઈકાલે ૨૩-૫-૨૦૨૬ના રોજ મળેલી ખાસ સભામાં કોંગ્રેસના એક વિજેતા સભ્ય ગેરહાજર રહેતા આખો રાજકીય ડ્રામા ભાજપની તરફેણમાં પલટાયો હતો અને ભાજપે બહુમતી મેળવી લીધી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સાદડુન બેઠકના તેમના વિજેતા ઉમેદવાર દિનેશ ગામીતને પૂર્વ કોંગ્રેસી સભ્ય અને પૂર્વ પ્રમુખના પતિ યાકુબ ગામીત ઉપાડી ગયા (અપહરણ કરી ગયા) હતા. આ હાઈડ્રામા બાદ સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દિનેશ રેનિયાભાઈ ગામીત (કરવનદા) અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન પ્રવીણભાઈ (હીરાવાડી) ચૂંટાઈ આવ્યા છે.

તાપી જિલ્લાની ૬ તાલુકા પંચાયતોમાં ભાજપે પોતાના પ્રમુખ-ઉપપ્રમુખ નીમીને સત્તા હસ્તગત કરી છે. 

  • ઉચ્છલ તાલુકામાં પંચાયતના પ્રમુખ તરીકે નિલેશભાઈ નવીનભાઈ ધોડિયા અને ઉપપ્રમુખ તરીકે તાયુબેન સુરેશભાઈ ગામીત.
  • નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુમિત્રાબેન પ્રિતમભાઈ નાઈક અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ રેમુભાઈ પાડવી.
  • કુકરમુંડા તાલુકો પંચાયત ના પ્રમુખ તરીકે રાજુલાબેન રાજુભાઈ પાડવી અને ઉપપ્રમુખ તરીકે કૃષ્ણભાઈ ગણપતભાઈ સિરસાઠ.
  • ડોલવણ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે અજીતભાઇ ફતેસિંહભાઈ ગામીત અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ચૌદરી.
  • વાલોડ તાલુકામાં ભાજપે અહીં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યાં પ્રમુખ તરીકે ધીરેનકુમાર બાલુભાઈ ગામીત અને ઉપપ્રમુખ તરીકે જયોત્સનાબેન પ્રકાશભાઇ આહિરની વરણી થઈ છે.તેમજ સોનગઢ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે દિનેશ રેનિયાભાઈ ગામીત અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન પ્રવીણભાઈ.

આ તમામ પંચાયતોમાં ભાજપે પોતાના પ્રમુખ-ઉપપ્રમુખ નીમીને સત્તા હસ્તગત કરી છે.

ભૂતકાળમાં કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતા તાપી જિલ્લામાં આ વખતે કોંગ્રેસ પાસે માત્ર બે જ તાલુકા પંચાયતો રહી છે.વ્યારામાં કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. અહીં પ્રમુખ તરીકે વૃક્ષાબેન નિલેશભાઇ ગામીત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઇ અંબેલાલ ગામીતની વરણી કરવામાં આવી છે.

સોનગઢથી છૂટા પડેલા નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં રસપ્રદ ગઠબંધન જોવા મળ્યું છે. અહીં કુલ બેઠકોમાંથી કોંગ્રેસને ૭, આમ આદમી પાર્ટીને ૪ અને ભાજપને ૫ બેઠકો મળી હતી. કોંગ્રેસે ‘આપ’ (AAP) ના ૪ સભ્યોનો ટેકો મેળવીને સત્તા હાંસલ કરી છે. જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના કીનાબેન ગામીત અને ઉપપ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજે ચૂંટાઈ આવ્યા છે.

નવનિયુક્ત તમામ હોદ્દેદારોએ આગામી સમયમાં પક્ષભેદ ભૂલીને પોતપોતાના તાલુકાના વિકાસ કાર્યોને સતત વેગ આપવાની અને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સૂત્રને સાર્થક કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. બીજી તરફ સોનગઢમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ મહુડી મંડળ પોતાના પક્ષદ્રોહી કે ગેરહાજર સભ્યો સામે શું કડક પગલાં ભરે છે તેના પર કાર્યકરોની મીટ મંડાયેલી છે.

Advertisement
error: Content is protected !!