સુરત જિલ્લાનાં તડકેશ્વર નજીકનાં વિરપોર ગામમાં મોડી રાત્રે તસ્કરોએ રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ઘરની નજીક આવેલા ફાર્મ હાઉસના પાર્કિંગમાંથી એક બાએક મળી કુલ રૂપિયા 1.42 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, વિરપોર ગામે પાદર ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા વિશાલકુમાર મનુભાઈ વસાવાએ તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 17 મે ના રજ ઘરે પરિવાર સૂતો હતો. તે સમયે રાત્રીનાં પોણા ત્રણ વાગ્યાની આસપાસ રસોડાની સામેના રૂમમાં અવાજ થતાં વિશાલકુમાર જાગી ગયા હતા.
તેમણે એક અજાણ્યા વ્યક્તિને જોતાં જ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ચોર રસોડાના ભાગેથી ઘરના વાડા તરફ ભાગી છૂટયો હતો. પરિવારજનોએ જોયું તો વાડામાં કરેલી તારની ફેન્સિંગ કાપેલી હાલતમાં મળી આવી હતી. ઘરમાં તપાસ કરતાં બેડરૂમમાં મૂકેલી લોખંડની તિજોરીનું લોકર ખુલ્લું હતું અને તેમાંથી આશરે 97,100/-ની કિંમતના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. તેમજ ચોર ઘરમાંથી દાગીના ચોરીને નજીકના શેરડીના ખેતરમાં બોક્સ અને પાઉચ ખાલી કરીને ફેંકી ગયો હતો. જોકે તે જ રાત્રિ દરમિયાન, ફરિયાદીના મકાનની નજીક આવેલા ‘વાઈટ રોઝ ફાર્મ’ના રૂમ નં.25, 26 ના પાર્કિંગમાંથી પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યાં પાર્ક કરેલી પ્રવિણભાઈ રવજીભાઈ સોરઠીયાની એ કલરની હોન્ડા SP 125 બાઈક મોટરસાયકલ જેની કિંમત આશરે 45 હજાર છે, તેની પણ ચોરી થઈ હોવાની જાણ ફાર્મના સિક્યુરિટી ગાર્ડે ફરિયાદીને કરી હતી. આમ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

