સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ઉમરાછી ગામનાં રાજપૂત ફળિયામાં રહેતા અને નોકરી કરતા ૩૫ વર્ષીય યોગેન્દ્રસિંહ સુભાષસિંહ વરાળિયાએ કીમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પત્ની રેણુકાબેન યોગેન્દ્રસિંહ વરાળિયા (ઉ.વ.૩૨) સોમવાર નાંરોજ સવારનાં સાડા નવેક વાગ્યે પતિ કે સાસુને કોઈ પણ કંઈ પણ જાણ કર્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગયા હતા. જોકે રેણુકાબેન ઘરે એક ચિઠ્ઠી મૂકી છે જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે, તેઓ પોતાની મરજીથી આપઘાત કરવા જઈ રહ્યા છે અને પોતાની જિંદગીથી કંટાળી ગયા છે. તેમણે પોતાની કોઇ ભૂલ હોય તો માફી માંગીને પોતાનો ફોન બાળકોને આપી દેવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે ચિઠ્ઠીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, જો તેમને શોધવી હોય તો નર્મદાએ આવજો. સાથે જ પોતાના બંને દીકરાઓને પોતાનાં પિયર જ રહેવા દેવા અને પતિને પણ ત્યાં જ જતા રહેવા તાકીદ કરી છે. જોકે સ્યુસાઈડ નોટ લખી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ચિંતિત પરિવારજનો દ્વારા આસપાસનાં વિસ્તાર સહિત સગા સંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ પણ રેણુકાબેનની કોઈ જ ભાળ નહીં મળી હતી. જેથી પતિએ કીમ પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુમ થનાર રેણુકાબેનની શોધખોળ શરૂ કરી હતી.

