Explore

Search

May 20, 2026

Contact us -7820092500

IAS Coaching

તડકેશ્વર ગામે જમીન વેચાણનાં નામે વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી, પોલીસ તપાસ શરૂ

સુરત જિલ્લાના હીરાબાગ અને હાલ મુંબઈના મલાડ ખાતે રહીને છેલ્લા 17 વર્ષથી હીરાનો વેપાર કરતા શૈલેષભાઈ છગનભાઈ જસાણીએ તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં દલાલો મારફતે તેમને તડકેશ્વર ગામની સીમમાં આવેલી રાજુભાઈ ખુમાનભાઈ પટેલની માલિકીની બ્લોક નં.1453વાળી ખેતીની જમીન બતાવવામાં આવી હતી. જેથી જમીન પસંદ આવતા બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીઓની હાજરીમાં 28 લાખમાં જમીનનો સોદો નક્કી થયો હતો. શૈલેષભાઈએ સોદાચિઠ્ઠીના આધારે રાજુભાઈને 51 હજાર બા’ના પેટે આપ્યા હતા.

ત્યારબાદ સોદાચિઠ્ઠીની શરત મુજબ જમીનનો પાકો દસ્તાવેજ કરાવવા માટે ફરિયાદીએ બેંક ઓફ બરોડાના RTGS મારફતે 19,27,000 જમીન માલિકના ખાતામાં ચૂકવ્યા હતા અને રજિસ્ટ્રેશન ફ્રી પણ ભરી દીધી હતી. રૂપિયા ચૂકવ્યા બાદ કરિયાદી શૈલેષભાઈને જાણવા મળ્યું હતું કે, જમીન માલિક રાજુભાઈએ આ જ જમીન અગાઉ નાઝીમખાન રસિદખાન પઠાણ નામના ઇસમને વેચાણે આપીને તેની તરફેણમાં વેચાણ સાટાખત કરી આપ્યો છે. આ હકીકત રાજુભાઈએ ફરિયાદીથી છુપાવી રાખી હતી. જ્યારે આ બાબતે વિવાદ થયો, ત્યારે મધ્યસ્થીઓની હાજરીમાં એવું નક્કી થયું કે, નાઝીમખાનનું સાટાખત કેન્સલ કરાવવા માટે 14,50,000 ચૂકવવા પડશે.

જેથી શૈલેષભાઈએ બાકી અવેજની રકમ પેટે તે 14,50,000 પણ રાજુભાઈને ચૂકવી આપ્યા હતા. આમ શૈલેષભાઈ તરફથી અલગ-અલગ તબક્કે કુલ 34,28,000 જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ હતી. તેમછતાં જમીન માલિક રાજુભાઈ પટેલે સોદાચિઠ્ઠીની શરતોનો ભંગ કર્યો હતો. વધુમાં તેણે શૈલેષભાઈને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને જમીનની વધુ કિંમતની ખોટી માંગણીઓ શરૂ કરી દીધી હતી. વારંવારની બેઠકો અને દલાલોના સમજાવવાના પ્રયાસો નિષ્ફળ જતા શૈલેષભાઈ જસાણીએ તડકેશ્વર પોલીસ મથકમાં અરજી આપી હતી. જેની તપાસ દરમિયાન ગુનાહિત કૃત્ય જણાઈ આવતા પોલીસે આરોપી રાજુભાઈ પટેલ (રહે. રોડ ફળિયું, તડકેશ્વર) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Advertisement
error: Content is protected !!