પલસાણા: પલસાણામાં નેશનલ હાઈવે 48 પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર કરણ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપ સામે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ૨૪ વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.
મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો વિમલ રમેશચન્દ્ર પાંડે (ઉ.વ.૨૪) ગત તા. ૧૦/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના અરસામાં પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર જીજે/૦૫/ટીએફ/૪૨૫૨ પર પસાર થઈ રહ્યો હતો. તે સમયે કરણ ગામની સીમમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી વિમલની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિમલને બંને પગે ગંભીર ઈજાઓ અને શરીરે વત્તી-ઓછી ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની ટૂંકી સારવાર બાદ, તા.૧૪/૦૫/૨૦૨૬ના રોજ વહેલી સવારે ૦૬:૩૦ વાગ્યે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતક વિમલના મામા દેવેન્દ્ર જીતનારાયણ શુક્લાની ફરિયાદના આધારે પલસાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

