Explore

Search

August 11, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારા નગર પાલિકાની ચૂંટણીમાં લોકશાહીના ચીરેચીરા? સ્ટ્રોંગરૂમમાં CCTV પર પૂંઠાં મારી દેવાતા તંત્ર સામે સવાલોના ઘેરા

વ્યારા નગર પાલિકાની તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. વોર્ડ નં.6 ના એક જાગ્રત નાગરિક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ અરજીમાં જે ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે, તેનાથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.

અરજદારના જણાવ્યા અનુસાર, વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બનાવવામાં આવેલા હંગામી સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ (EVM) મશીનો રાખવામાં આવ્યા હતા. જોકે, 28 એપ્રિલના રોજ જ્યારે ઉમેદવારોની હાજરીમાં સીલ ખોલવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.સ્ટ્રોંગરૂમમાં અગાઉથી લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા પર ખાખી કલરના પૂંઠાં લગાવીને સેલોટેપથી એ રીતે બંધ કરી દેવાયા હતા કે કોઈ પણ ફૂટેજ કેદ ન થઈ શકે. તેમજ તા.27 એપ્રિલની રાત્રે 10 વાગ્યાની આસપાસ સ્ટ્રોંગરૂમ વિસ્તારમાં લાંબા સમય સુધી વીજ પ્રવાહ શા માટે બંધ રાખવામાં આવ્યો હતો, તે એક રહસ્ય છે. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદર કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ નહોતું અને બહારથી મેઈન લાઈન ચાલુ કરવા છતાં લાઈટો ચાલુ રાખવામાં આવી નહોતી.

ઉમેદવારે તંત્ર પાસે વોર્ડ નં. 6 ના તમામ બૂથોમાં વપરાયેલા બી.યુ (BU) અને સી.યુ (CU) યુનિટોની મતદાન પ્રિન્ટ (રીલ) ની માંગણી કરી છે. ખાસ કરીને શિવાજી પુસ્તકાલય, રાણા સમાજની વાડી, સોનાર પંચની વાડી અને જૈન સમાજની વાડીમાં આવેલા મતદાન મથકોના રેકોર્ડ મેળવવા અરજદારે કાયદાકીય લડત શરૂ કરી છે. આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર કચેરીને સંબોધીને લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. જો તંત્ર આ બાબતે સ્પષ્ટતા નહીં કરે તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Advertisement
error: Content is protected !!