તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન જાળવી રાખી ભવ્ય વિજય મેળવ્યો છે. નગરપાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨૬ બેઠકો પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર ૨ બેઠકો આવી છે.
આ વખતની ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે વોર્ડ નંબર ૫ અને વોર્ડ નંબર ૭ ની તમામ ૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઉપરાંત, વોર્ડ નંબર ૨ માં પણ એક બેઠક (OBC મહિલા) પર અમિતાબેન અનુપકુમાર ટેલર બિનહરીફ ચૂંટાયા છે. આમ, કુલ ૨૮ બેઠકોમાંથી ૯ બેઠકો પર ચૂંટણી પૂર્વે જ ભાજપનો વિજય નક્કી થઈ ગયો હતો.
આજે જાહેર થયેલા પરિણામો પર એક નજર કરીએ તો વોર્ડ નં. ૧ માં તમામ ૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.વોર્ડ નં. ૨ માં પણ તમામ ૪ બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જેમાં ૧ બેઠક બિનહરીફ છે.
વોર્ડ નં. ૩ આ વોર્ડમાં પણ ભાજપે ચારેય બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. વોર્ડ નં. ૪ માં આ વોર્ડમાં રસાકસી જોવા મળી હતી. અહીં ૨ બેઠકો પર ભાજપ અને ૨ બેઠકો (ST મહિલા અને જનરલ બેઠક) પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. તેમાં વોર્ડ નં. ૬ની વાત કરીએ તો અહીં પણ ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં ચારેય બેઠકો પર મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે.
ચૂંટણી પરિણામોમાં શ્વેતાબેન ગામીત (વોર્ડ-૧), નિલાબેન પડ્યા (વોર્ડ-૩), અને દીપ્તિબેન શાહ (વોર્ડ-૬) જેવા ઉમેદવારોએ જંગી મતોથી જીત હાંસલ કરી છે.આ પરિણામો સાથે જ વ્યારામાં ફરી એકવાર ભાજપનું શાસન સ્થપાયું છે, જ્યારે કોંગ્રેસ માત્ર વોર્ડ નં. ૪ પૂરતી મર્યાદિત રહી છે. નગરના વિકાસકાર્યો અને લોકપ્રિયતાના જોરે ભાજપે ૨૮ માંથી ૨૬ બેઠકો જીતીને વિરોધ પક્ષના સૂપડા સાફ કરી દીધા છે.

