તાપી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. વિકાસની રાજનીતિ અને છેવાડાના માનવી સુધી પહોંચવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે જિલ્લા પંચાયત સહિત મોટાભાગની તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ વિજયમાં પાયાના કાર્યકરોની રાત-દિવસની મહેનત અને જનસંપર્ક નિર્ણાયક સાબિત થયા છે.
તાપી જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો માંથી ભાજપે 18 બેઠકો પર જીત મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 08 બેઠકો આવી છે. આ જીત દર્શાવે છે કે ગ્રામીણ મતદારોએ વિકાસના કામો પર મહોર મારી છે.
તાલુકા પંચાયતોમાં ક્યાં કોનું જોર? : તાલુકા સ્તરે પણ ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જોકે કેટલીક જગ્યાએ રસાકસી પણ જોવા મળી.વાલોડ, ડોલવણ, ઉચ્છલ અને કુકરમુંડા આ ચારેય તાલુકાઓમાં ભાજપે 11-11 બેઠકો જીતીને વિરોધ પક્ષોને પછડાટ આપી છે.
નિઝર તાલુકામાં અહીં ભાજપે 09 બેઠકો સાથે લીડ મેળવી છે, જ્યારે કોંગ્રેસને 06 અને અપક્ષને 01 બેઠક મળી છે.વ્યારામાં કોંગ્રેસે પોતાનો ગઢ સાચવી રાખતા 13 બેઠકો મેળવી છે, જ્યારે ભાજપને 07 બેઠક મળી છે.સોનગઢમાં કાંટે કી ટક્કર જોવા મળી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 09-09 બેઠકો મળી છે. જ્યારે ઉકાઈ તાલુકામાં અહીં કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી. કોંગ્રેસ 07, ભાજપ 05 અને આમ આદમી પાર્ટી (AAP) એ 04 બેઠકો મેળવી કિંગમેકરની ભૂમિકામાં આવી છે.
આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે, મોટા નેતાઓના માર્ગદર્શન હેઠળ ગામડાના નાના કાર્યકરોએ જે રીતે પેજ સમિતિ અને ડોર-ટુ-ડોર પ્રચારની જવાબદારી નિભાવી, તેના કારણે જ ભાજપ આટલું મોટું અંતર જાળવી શક્યું છે. વિકાસના કામોને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આ કાર્યકરોનો ફાળો અતુલ્ય રહ્યો છે.

