તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. ૫,૧૪,૪૦૩/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સોનગઢના આમલીપાડા ગામે બસ સ્ટેન્ડ ફળીયામાં આવેલ ‘એસ.કે.ચિકન સેન્ટર’ નામની દુકાન અને તેના રહેઠાણના ભાગે નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પતરાના શેડવાળી રૂમમાં આરોપીઓ કાચની ખાલી બોટલોમાં કેમિકલયુક્ત પ્રવાહી ભરી નકલી વિદેશી દારૂ તૈયાર કરતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે સ્થળ પરથી દુર્ગાશંકર ઉદેલાલ ખટીક (ઉ.વ.૩૮) રહે.પાંડેસરા, સુરત (મૂળ રાજસ્થાન) અને કલ્પેશભાઇ ઉર્ફે લાલો રામચંદ્રભાઇ સામરીયા (ઉ.વ.૪૪) રહે.અઠવાલાઇન્સ, સુરતના બે શખ્સોની ધરપકડ કરી છે,આ ઉપરાંત, આ કૌભાંડમાં સામેલ સોનગઢના બુટલેગર સિંકદર શાંતુભાઇ ગામીત અને તેની પત્ની સુમિત્રાબેન ગામીત સહિત અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે દરોડા દરમિયાન દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે, જેમાં વિદેશી દારૂની કુલ ૧૦૩૩ બોટલ/ટીન (કિ.રૂ. ૧,૬૬,૯૪૧/-).૨૦૦ લિટર સ્પીરીટ/આલ્કોહોલ અને દારૂ બનાવવાનું કલર તેમજ એસેન્સ કેમિકલ.રોયલ સ્ટેગ વ્હીસ્કીના બનાવટી સ્ટીકર, બુચ અને બોટલ પેક કરવાનું મશીન.દારૂની હેરફેર માટે વપરાતી i20 કાર અને ૨ મોબાઈલ ફોન.સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલ સોનગઢ પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

