વડોદરા શહેરમાં ફિલ્મી પટકથા જેવી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ બનતા પતિને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. નહેરમાં ફેંકી દેવાયા હોવા છતાં પતિ જીવતો બહાર નીકળી આવતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
વડોદરાના છાણી વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા ગિરીશ પટેલ 15 એપ્રિલની રાત્રે જ્યારે પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ તેમને કારમાં બેસાડી, ચપ્પુની અણીએ ડરાવી વિવિધ સ્થળોએ ફેરવ્યા હતા. ત્યારબાદ ગિરીશભાઈ પર જીવલેણ હુમલો કરી તેમને મૃત સમજી નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.નહેરમાં પડ્યા બાદ પણ ગિરીશ પટેલે હિંમત હારી નહોતી. અંધારી રાત્રે આશરે ત્રણ કલાક સુધી પાણીમાં સંઘર્ષ કર્યા બાદ તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. બહાર નીકળતાની સાથે જ તેઓ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરતા કમકમાટીભરી વિગતો બહાર આવી. ગિરીશ પટેલની પત્ની ફાલ્ગુનીને ખેડાના સલૂન સંચાલક કૌશિક શર્મા સાથે પ્રેમસંબંધ હતો. કૌશિક શર્માએ ગિરીશની હત્યા કરવા માટે નરેન્દ્ર ઉર્ફે નિકુલ ગોસ્વામી નામના શખ્સને રૂપિયા ૩૫ હજાર માં સોપારી આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ફાલ્ગુની અને કૌશિકે માત્ર બે દિવસમાં ૧૦૦થી વધુ વખત ફોન પર વાતચીત કરી હતી.આ કાવતરામાં રુદ્ર રાવલ નામના શખ્સને ગિરીશની હિલચાલ પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી.અપહરણ દરમિયાન આરોપીઓએ ગિરીશભાઈ પાસેથી રોકડ અને એટીએમ કાર્ડ પણ લૂંટી લીધા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ તમામ વિરુદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ : ૧. ફાલ્ગુની પટેલ (પત્ની) ૨. કૌશિક શર્મા (પ્રેમી/મુખ્ય સૂત્રધાર) ૩. જિતેન્દ્ર બારિયા ૪. ઉમંગ પ્રજાપતિ ૫. પૃથ્વી ભોઈ ૬. ઉમંગ ભોઈ

