સુરત શહેરમાં રોકાણના નામે લાખોની છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સુરત પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ એક એવા પરિવારની ધરપકડ કરી છે જેણે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪ થી વધુ લોકો સાથે રૂ.૨.૦૫ કરોડની ઠગાઈ આચરી છે.
આ ઠગાઈની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. આરોપીઓ અશોક સોલંકી, તેનો પુત્ર જય અને પુત્રી જ્યોતિ દાભોલી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં નિયમિત જતા હતા. લોકોની નજરમાં આવવા માટે તેઓ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદમાં મોંઘા કાજૂ-બદામ (સૂકો મેવો) વહેંચતા હતા. આ રીતે તેઓ પોતે ખૂબ જ સમૃદ્ધ હોવાનું નાટક કરી લોકોનો વિશ્વાસ જીતી લેતા હતા.વિશ્વાસ સંપાદિત કર્યા બાદ, આરોપીઓએ વરાછા વિસ્તારમાં પોતાની કંપની ‘એપિક ઇનોવેશન LLP’ શરૂ કરી અને તેના લોન્ચિંગમાં લોકોને આમંત્રણ આપ્યું. આ કંપનીમાં અશોક સોલંકી, જય, જ્યોતિ અને ઋષિ પટેલ નામના ચાર ભાગીદારો હોવાનું જણાવાયું હતું. તેમણે રોકાણકારોને લાલચ આપી હતી કે કંપની ફોરેક્સ ટ્રેડિંગના વ્યવસાય સાથે જોડાયેલી છે.રોકાણ કરેલી રકમ પર દર મહિને ૪ થી ૫ ટકા વળતર આપવામાં આવશે.
ઓનલાઇન કપડાનો વ્યવસાય કરતા અનિલ બલાર (૫૦) નામના ફરિયાદીએ એપ્રિલ ૨૦૨૪માં રૂ. ૩૫ લાખનું રોકાણ કર્યું હતું. વિશ્વાસ જાળવી રાખવા માટે આરોપીઓએ શરૂઆતમાં મે અને જૂન મહિનામાં અનુક્રમે રૂ. ૫૬,૬૬૬/- અને રૂ. ૬૦,૦૦૦/- જેવું વળતર ચૂકવ્યું હતું. પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૪ પછી અચાનક વળતર ચૂકવવાનું બંધ કરી દીધું અને ઓફિસને તાળા મારી આરોપીઓ શહેર છોડી ફરાર થઈ ગયા હતા.જ્યારે રોકાણકારોને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે તેઓએ પોલીસનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલ ૧૪ લોકો પાસેથી ૨.૦૫ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. વચગાળામાં ચોથા ભાગીદાર ઋષિ પટેલે મુકેશ પટેલના ઘરે રોકાણકારો સાથે બેઠક કરી પૈસા પરત કરવાની ખાતરી આપી હતી, જે ઠગ સાબિત થઈ હતી.સુરત પોલીસની આર્થિક ગુના શાખાએ મુખ્ય આરોપી અશોક સોલંકી, જય અને જ્યોતિની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક ભાગીદાર ઋષિ પટેલ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

