વ્યારા નગરપાલિકાના ૭ વોર્ડ માટે જાહેર થયેલી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે મહત્ત્વના પરિણામો સામે આવ્યા છે. નગરપાલિકાના વોર્ડ નં. ૫ અને ૭માં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
વોર્ડ નં. ૫ માં પ્રથમથી જ ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી. પરિણામે ભાજપના દિલીપભાઈ અમૃતભાઈ જાદવ (રહે.વેગી ફળીયું, વ્યારા),અનિલભાઈ આત્મારામ શીરશાળે (રહે. દાદરી ફળીયું, વ્યારા),મ નિમીષાબેન તેજસભાઈ દેસાઈ (રહે. અભિષેક એસ્ટેટ, વ્યારા),દ્રષ્ટિ ચિરાગ અલમૌલા (રહે. દાદરી ફળીયું, વ્યારા) ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.જયારે વોર્ડ નં. ૭ માં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો માર્ગ મોકળો થયો હતો. અહીં ભાજપના તમામ ઉમેદવારો જયોતિબેન કાંતિલાલ ગામીત,મીનાબેન નરેન્દ્રભાઈ પાટીલ,વિપુલ નારાયણભાઈ ભથવાર,જયેશ અશ્વિનભાઈ રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત, નગરપાલિકાના વોર્ડ નં. ૨ માં પણ ભાજપના ઉમેદવાર અમિતાબેન અનુપભાઈ ટેલર બિનહરીફ જાહેર થયા છે.નગરપાલિકાના કુલ ૭ વોર્ડ પૈકી ૨ વોર્ડ બિનહરીફ થયા બાદ હવે બાકીના ૫ વોર્ડમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે.
આ વોર્ડમાં પક્ષો વચ્ચેની સ્થિતિ પર એક નજર કરીએ..
| વોર્ડ નંબર | હરીફ પક્ષો / ઉમેદવારો |
| વોર્ડ નં. ૧ | ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ |
| વોર્ડ નં. ૨ | ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ |
| વોર્ડ નં. ૩ | ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર |
| વોર્ડ નં. ૪ | ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે મુકાબલો |
| વોર્ડ નં. ૬ | ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ |

