Explore

Search

March 22, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી પોલીસની કામગીરી: ‘હું મરવા જાઉં છું’ કહી ફોન કાપનાર યુવકને મિનિટોમાં શોધી જીવતદાન આપ્યું

વાલોડમાં રહેતા એક ૨૦ વર્ષીય યુવકે અંગત કારણોસર જીવન ટૂંકાવવા કરેલો પ્રયાસ પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો છે. ઇમર્જન્સી હેલ્પલાઇન ૧૧૨ અને વાલોડ પોલીસની ટીમે ગણતરીની મિનિટોમાં લોકેશન ટ્રેસ કરી યુવકને નદી કિનારેથી સહીસલામત બચાવી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે ગત તા. ૨૦/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે વાલોડ ગામના કોઠી ફળીયામાં રહેતા ૨૦ વર્ષીય હિરેનભાઈ ચેતનભાઈ નાયકાએ ૧૧૨ હેલ્પલાઇન પર કોલ કરી “હું આત્મહત્યા કરવા જાઉં છું” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ ગંભીર કોલ મળતા જ ૧૧૨ ઇન્ચાર્જ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ કોદરસિંહ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા.

પોલીસ ટીમ તુરંત યુવકના ઘરે પહોંચી હતી, જ્યાં તપાસ કરતા તે ફળીયાની પાછળ નદી કિનારે આત્મહત્યા કરવાના ઈરાદે મળી આવ્યો હતો. પોલીસે તેને મોતના મુખમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લાવી પ્રેમપૂર્વક પૂછપરછ કરી હતી.

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, હિરેનભાઈને તેની મિત્ર સાથેના સંબંધોમાં વિખવાદ થતા અને છેલ્લા ત્રણ દિવસથી તેની સાથે વાત ન થતા તે ભારે માનસિક તણાવમાં હતો. વાલોડ પોલીસે યુવકને સમજાવી, યોગ્ય માર્ગદર્શન આપી તેને તેના ભાઈ વિરેનભાઈ સાથે સુરક્ષિત ઘરે મોકલી આપ્યો હતો. તાપી એસ.પી. જે.એન.દેસાઈ અને વિભાગીય પોલીસ અધિકારી પી.જી.નરવાડેની સૂચના મુજબ વાલોડ પી.આઈ. એમ.એમ.ગીલાતરના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીની પ્રજામાં પ્રશંસા થઈ રહી છે.

Advertisement
error: Content is protected !!