સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી પંકજ ભભૂતી પાંડેને નવી દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ, તા. ૧૪/૦૩/૨૦૨૬ થી ૨૦/૦૩/૨૦૨૬ દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરત ગ્રામ્ય એલ.સી.બી. અલગ-અલગ ટીમો કાર્યરત હતી.તપાસ દરમિયાન બાતમી મળી હતી કે,પલસાણાના ગુનાનો આરોપી પંકજ પાંડે દિલ્હીના માંડવાલી મેટ્રો સ્ટેશન પાસે વિનોદનગર સોસાયટીમાં છુપાયો છે.
આ બાતમીના આધારે પોલીસે દિલ્હી જઈ ૩૨ વર્ષીય આરોપી પંકજને દબોચી લીધો હતો.ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે પલસાણા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ ના આઈ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન), ૪૫૦ તથા પોક્સો એક્ટની કલમ ૪, ૫(એલ) મુજબના બળાત્કારના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાનો વતની છે અને ત્યાં ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હતો. હાલ સુરત ગ્રામ્ય પોલીસે આરોપીનો કબજો મેળવી પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

