Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : કડોદરા પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો

સુરતના કડોદરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને વરેલી બીટના જમાદાર શીતલ પ્રજાપતિને સુરત એસીબીએ રૂપિયા 30,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હેડ કોન્સ્ટેબલ અગાઉ પણ લાંચના કેસમાં પકડાઈ ચૂક્યા હોવા છતાં તેમની પદ્ધતિમાં કોઈ સુધારો આવ્યો નથી.

આ કેસના ફરિયાદી ભૂતકાળમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ હાલમાં તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી ચૂક્યા છે. તેમ છતાં, વરેલી બીટના જમાદાર શીતલ પ્રજાપતિ તેમને સતત હેરાન કરતા હતા. જમાદારે ફરિયાદીને ધમકાવતા કહ્યું હતું કે, તું અત્યારે પણ દારૂનો ધંધો કેમ કરે છે? તેમ કહી કેસ ન કરવાના બહાને નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા 30,000 ની રકમ નક્કી કરવામાં આવી હતી.ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના આયોજન મુજબ આજે આંત્રોલી ગામ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેવું જ હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિએ ફરિયાદી પાસેથી લાંચના રૂપિયા 30,000 સ્વીકાર્યા, કે તરત જ છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં આ બીજી એવી ઘટના છે, જેમાં પોલીસ કર્મચારી એસીબીના હાથે ઝડપાયા હોય. આરોપી શીતલ પ્રજાપતિ અગાઉ સુરત શહેરમાં પણ લાંચ લેતા પકડાયા હતા, તેમ છતાં તેમની આવી શંકાસ્પદ કામગીરી ચાલુ રહી હતી. એસીબીની આ સફળ ટ્રેપ બાદ સમગ્ર સુરત પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે અને ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement
error: Content is protected !!