નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વર્ષો પહેલા નવસારી સબજેલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા અને ધાડ, લૂંટ તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે 25 વર્ષ બાદ હરિયાણાથી દબોચી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે 25 વર્ષ પહેલા આ આરોપી નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા કાપીને નાસી છૂટ્યો હતો.
મૂળ ઉત્તર પ્રદેશનો આ શખ્સ એટલો શાતિર હતો કે તેણે અઢી દાયકા સુધી દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને પોલીસને થાપ આપી હતી. તેની સામે ચોરી અને લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી હરિયાણામાં હોવાની ચોક્કસ બાતમી મળતા નવસારી LCBની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, આરોપી ઓળખાઈ ન જાય તે માટે પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી.પોલીસ જવાનોએ હરિયાણામાં ભેળપૂરી અને ગરમ કપડાં વેચનારા તરીકે વેશપલટો કર્યો હતો. સતત વોચ રાખ્યા બાદ જેવો આરોપી નજરે ચડ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. 25 વર્ષ જૂના આ વણઉકેલ્યા કેસને ઉકેલીને નવસારી પોલીસે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે કે ગુનો કરીને ગમે તેટલા વર્ષ ભાગો, પોલીસથી બચવું અશક્ય છે.

