ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર પંથકનાં ચોમલ ગામે ભારે વરસાદના પગલે રસ્તા પર વહી રહેલા જોખમી પાણીએ એક યુવકનો જીવ લીધો હતો. બાઈક પર જઈ રહેલો યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં સ્થાનિક તરવૈયાઓની મહેનત છતાં તેની જિંદગી બચાવી શકાઈ ન હતી. મળતી માહિતી મુજબ, ગારિયાધાર શહેરમાં બપોરના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે આવી ચડેલી મેઘસવારીએ દોઢ કલાકમાં ધોધમાર સવા બે ઈંચ જેટલું પાણી વરસાવી દેતા નદી-નાળા છલકાયા હતા. તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હતો.
ચોમલ ગામે ધોધમાર વરસાદ શરૂ હતો.
ત્યારે ચોમલ-રૂપાવટી રોડ પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર (ઉ.વ.આ.૨૦, રહે.ચોમલ) ભારે પાણીના વહેણમાં તણાયો હતો. જેની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પીએમ માટે ગારિયાધાર પીએચસીમાં ખસેડાયો હતો. ભાવનગરમાં બપોર સુઘી ઉઘાડ રહ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવન સાથે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો ૧૦થી ૧૫ મિનિટ ધોધમાર બાદ સાંજ સુધી ધીમીધારે વરસતા પોણો ઈંચ પાણી પડયું હતું. સિહોરમાં બપોરથી સાંજ સુધીમાં સવા ઈંચ પાણી વરસ્યું હતું. વલ્લભીપુરમાં સાંજના સમયે અર્ધો ઈંચ, પાલિતાણામાં સાંજે પા ઈંચ અને મહુવામાં ઝાપટું વરસ્યું હતું. બોટાદ જિલ્લામાં એક માત્ર રાણપુરમાં એક મિ.મી. વરસાદ થયો હતો. બાકીના તાલુકામાં મેઘરાજાએ પોરો ખાધો હતો.


