ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન કદવાલી ગામે રહેતા વિશાલ ચીમન વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવીને તેના ભાઈ ગણેશભાઈ ચીમનભાઈ વસાવાના ઘરે સંતાડી રાખેલ છે.
એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને ઘરમાં તપાસ કરતા ઘરમાં ગણેશભાઈ ચીમનભાઈ વસાવા હાજર મળી આવેલ હતો. તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા ૧,૪૨,પર૫ની કિંમતની બોટલો નંગ ૪૭૫ મળી આવી હતી. એલસીબી ની ટીમે દારૂનો આ જથ્થો કબ્જે લઈને સ્થળ ઉપર હાજર મળેલ ઇસમ ગણેશભાઈ ચીમનભાઈ વસાવા (રહે.ગામ કદવાલી તા.ઝઘડિયા)ને ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ વિશાલભાઈ ચીમનભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધાવ્યો હતો.


