અમદાવાદ પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના ૩૩ લોકોનાં મોત થયા હતા. જેમાં ૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી લાવીને અંતિમ સંસ્કાર કરાયા છે. અન્ય ૨૫ મૃતકોના ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ તેમના પરિવાજનોને સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશ તા.૧૨મી જૂને મેઘાણીનગર ખાતે થયું હતું. આ ઘટનામાં ચરોતરના ૫૬ લોકો મોતને ભેટયા હતા.
મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ જે તે સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં આઠ મૃતકોના મૃતદેહ સોંપાયા છે. જિલ્લાના બાકી રહેતા ૨૫ મૃતકોના ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપવામાં આવશે. આ કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. બાકી રહેલા ૨૫ મૃતકોમાં આણંદ, કરમસદ, વાસદ, ચીખોદરા, ગાના, લાંભવેલ, ઉમરેઠ, ભરોડા, કસુંબાડ, ઝારોલા, ફાંગણી, સોજીત્રા, ખંભાત, જલસાણ અને ખંભાત તાલુકાના વટાદરાનો સમાવેશ થયો છે. આ મૃતકોના ઘરે જઇ અધિકારીઓ પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે. આ ઉપરાંત અંતિમ વિધી સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને મૃતકોને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.

