નાના શહેરોમાં સસ્તી મજૂરીથી હીરાની ઘસાઈ થતી હોવાની લાલચે ભાવનગર હીરા મોકલનાર વરાછાના બે વેપારીઓએ ૧.૬૦ લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભાવનગરના બુધેલગામના વતની નિલેશ ગોરધન જાજડિયા (રહે.પ્રભુદર્શન રો-હાઉસ, સરથાણા) વરાછા સવાણી રોડ પર એમ.કે. ચેમ્બર્સમાં હીરાની ઓફિસ ધરાવે છે. તેમના ધંધાકીય મિત્ર ગોવિંદ હીરાપરા મારફત ભાવનગરના ઉમરાળા તાલુકાના કેરિયા ગામના ધર્મેશ વિનોદ પરમાર સાથે ઘણા વખતથી પરિચય થયો હતો. મોટા શહેર કરતાં નાના શહેરોમાં હીરાની મજૂરી સસ્તા પડતી હોઈ ગોવિંદભાઈ તેની પાસેથી રફ હીરા તૈયાર કરાવવાના ઇરાદે ભાવનગરમાં હીરાનું કારખાનું ધરાવતા હોવાનો દાવો કરતાં ધર્મેશને મોકલવાનો નિર્ણય કર્યો હતો.ગોવિંદભાઈની સાથે નિલેશભાઈ પણ જોડાયા હતા. બંનેએ ગત ૧૬મી જુલાઈએ ધર્મેશનો સંપર્ક કર્યો હતો.ગોવિંદભાઈએ ૬૫ હજારની કિંમતના ૨૬ અને નિલેશભાઈએ ૯૫ હજારની કિંમતના ૭૪ રફ હીરા મળી કુલ ૧૦૦ હીરા આંગડિયા પેઢી મારફત ભાવનગર મોકલ્યા હતા.આ હીરા પાંચ દિવસમાં જ તૈયાર કરી આપવાનું જણાવનાર ધર્મેશ ત્યારબાદ ફોન કરીને પલાયન થઇ ગયો હતો.સાત મહિનાથી થઈ રહેલી દોડાદોડી વચ્ચે આખરે વરાછા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


