સુરત શહેરના કાપોદ્રા વિસ્તારની મધુવન સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના રત્નકલાકારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અડધી રાત્રે પૂર્વ પ્રેમિકાએ કરેલા ફોનની પત્નીને જાણ થતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને બદનામીના ડરે પગલું ભર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની ૨૬ વર્ષીય અજય ભરતભાઈ મકવાણા હાલ કાપોદ્રા વિસ્તારની મધુવન સોસાયટીમાં પત્ની,પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. લગ્ન પૂર્વે અજયની વતનમાં પ્રેમિકા હતી, જેનો શુક્રવારે મોડી રાત્રે અજય પર ફોન આવ્યો હતો.પૂર્વ પ્રેમિકાએ કરેલા ફોનની પત્નીને જાણ થઈ હતી,જેથી અજયની પત્ની સાથે ઝઘડો થયો હતો. પોતાની બદનામીના ડરે અજયે શનિવારે સાંજે ઘરમાં પંખા સાથે દોરી વડે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું.અજયના અકાળે મોતથી માસૂમ પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.આપઘાતના બનાવ અંગે કાપોદ્રા પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.


