સુરત જિલ્લાના માંડવી સ્થિત શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજની ટ્રસ્ટી/કારોબારી મંડળની બેઠક યોજાઈ ગઈ. જેમા સને ૨૦૨૩/૨૪ ના નાણાકીય વર્ષના વાર્ષિક હિસાબ કિતાબ સહિત, નવા વર્ષ ૨૦૨૪/૨૫ ના કાર્ય આયોજનની ચર્ચા વિચારણા હાથ ધરવામા આવી હતી.
માંડવીના ખેંગાર ફળીયા ખાતે આયોજિત આ બેઠકમા સભ્ય નોંધણી ઝુંબેશને અસરકારક અને ફળદાયી બનાવવા સાથે, આગામી કાર્યક્રમો માટે જુદી જુદી સમિતિઓની રચના કરી, તેમને કાર્યભાર સોંપી, સુચારૂ આયોજન ઘડી કાઢવાની હિમાયત કરવામા આવી હતી.
ટ્રસ્ટી ગણ સહિત કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ, ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારોએ, સમાજના સર્વાંગીણ વિકાસ સાથે જરૂરિયાતમંદ સમાજ બંધુઓને ખાસ કરીને શૈક્ષણિક કારકિર્દી વિષયક માર્ગદર્શન મળી રહે તેવી તકો ઉપલબ્ધ કરાવવા બાબતે ચિંતન મનન કર્યું હતુ.
સમાજના દિવંગત વડીલો, સભ્યો, અને સમાજ બંધુઓને બે મિનિટનુ મૌન પાળી, શ્રદ્ધાંજલિ આપવા સાથે શરૂ કરાયેલી આ બેઠકમા ભાવી કાર્યક્રમો, અને આયોજનોની તબક્કાવાર અમલીકરણ અંગે પણ ચર્ચાવિચારણા કરવામા આવી હતી.

