તાપી જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત કાકરાપાર પોલીસે માનસિક અને શારીરિક તકલીફથી પીડિત ગુમ મહિલાને સાપુતારાથી શોધી કાઢી પરિવારને સહીસલામત સોંપી માનવતાભર્યું કાર્ય કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વ્યારા તાલુકાના બેડકુવા ગામના અમરાઈ ફળિયામાં રહેતાં અમિતાબેન ભુપેન્દ્રભાઈ ચૌધરી (ઉં.વ. ૩૬) ગત તા. ૯ ઑક્ટોબરની મધ્યરાત્રિએ અગમ્ય કારણોસર પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયાં હતાં. આ અંગે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. પટેલની સૂચનાથી પોલીસ ટીમે ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા સાપુતારા ખાતેથી મળી આવતાં તેમને કાકરાપાર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં.
પૂછપરછ દરમિયાન મહિલાએ માનસિક અને શારીરિક તકલીફને કારણે ગભરામણ થતી હોવાની અને વિચારોના કારણે ઘરેથી નીકળી ગયાં હોવાની માહિતી આપી હતી. પોલીસે સંવેદનશીલ અભિગમ અપનાવી જનરલ હોસ્પિટલમાં માનસિક રોગના નિષ્ણાત તબીબ પાસે તેમની સારવાર કરાવી હતી. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કાઉન્સેલિંગ કરાવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલાને પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતાં.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. પટેલ, એ.એસ.આઈ. ધર્મેશભાઈ રમેશચંદ્ર અને આ.પો.કો. વિવેકભાઈ ખંડુભાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની સમયસરની કાર્યવાહી અને માનવીય અભિગમની સરાહના થઈ રહી છે.


