તાપી જિલ્લામાં નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. તાપી-વ્યારા ડિવિઝનના ડીવાયએસપી પી. જી. નરવડેના જણાવ્યા અનુસાર, જિલ્લામાં વિવિધ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા સુરક્ષા જવાનો સહિત કુલ ૧,૪૨૩ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તહેવારો દરમિયાન ખાસ કરીને ગરબાના આયોજનો, જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
બોડીવોર્ન કેમેરા અને ડ્રોનથી સુરક્ષા પર નજર: જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ૮૦ બોડીવોર્ન કેમેરા, એક ડ્રોન કેમેરા અને છ રિક્વિઝિટ વાહનોની મદદથી દેખરેખ તથા પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ભીડભાડવાળા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખવા મોટરસાઇકલ પેટ્રોલિંગ અને ઘોડેસવાર પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહિલાઓની સુરક્ષા માટે ૧૦ સી-ટીમ કાર્યરત : નવરાત્રી દરમિયાન ગરબાના સ્થળો પર મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે જિલ્લામાં કુલ ૧૦ સી-ટીમ કાર્યરત કરવામાં આવી છે. ગરબાના સ્થળોએ સાદા વેશમાં પણ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે, જેથી કોઈ અણછાજતી ઘટના બને તો સમયસર કાર્યવાહી કરી શકાય.
ગરબા આયોજકોનેજરૂરી સૂચનાઓ : પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના મુખ્ય ગરબા આયોજકો સાથે બેઠક યોજીને સુરક્ષાલક્ષી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં પાર્કિંગ, સુરક્ષા, લાઇટિંગ અને સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી આયોજકોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
મુશ્કેલીના સમયે ૧૧૨ અથવા ૧૮૧ પર સંપર્ક કરવા અપીલ : તહેવારો દરમિયાન મહિલાઓને મુસાફરીમાં કોઈ મુશ્કેલી પડે, વાહન બગડે, પેટ્રોલ પૂરું થઈ જાય અથવા અન્ય કોઈ કટોકટી ઊભી થાય તો તાત્કાલિક મદદ માટે ૧૧૨ અથવા મહિલા સહાયતા હેલ્પલાઇન ૧૮૧ અભયમનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તાપી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને નવરાત્રી અને દશેરાની અગ્રિમ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સાથે જ તહેવારો દરમિયાન કાયદાનું પાલન કરવા, સુરક્ષાનાં નિયમોનું ધ્યાન રાખવા અને શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્રને સહકાર આપવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.


