વલસાડ જિલ્લાનાં વાપી જીઆઈડીસીનાં શુંજન વૈશાલી બ્રિજ નીચે ચાની લારી પાસે બે યુવકો સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત ઇંટ વડે માથાનાં ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાપીનાં છરવાડા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય જયેશભાઈ ભામુભાઈ રબારી તારીખ ૪ ઓક્ટોબરની રાત્રે તેમના મિત્ર કાનાભાઈ બુધાભાઈ રબારી સાથે ચા પીવા માટે શુંજન વૈશાલી બ્રિજ નીચે ચાની લારી પાસે ગયા હતા.
તે દરમિયાન દીપકભાઈ પ્રદીપભાઈ યાદવ ત્યાં આવી ગાળો બોલવા લાગ્યા હતા જેથી કાનાભાઈએ ગાળો ન બોલવા જણાવતાં દીપક ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ દીપકભાઈ તેમના મિત્ર વિરેન્દ્ર રાજુ યાદવ સાથે પરત આવ્યા હતા અને બંનેએ જયેશભાઈ તથા કાનાભાઈ સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો મારમાર્યો હતો. આ દરમિયાન દીપકભાઈએ બાજુમાં પડેલી ઈટ વડે બંનેના માથાના ભાગે હુમલો કરતાં લોહી નીકળવા લાગ્યું હતું.
બનાવને પગલે હાજર લોકોએ ૧૧૨ ઉપર ફોન કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી. આ સાથે જ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ની મદદથી ચલા સીએસસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જયેશભાઈએ વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દીપકભાઈ પ્રદીપભાઈ યાદવ અને વિરેન્દ્ર રાજુ યાદવ (બંને રહે. ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ, છરવાડા, વાપી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


