સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં માસમા ગામની સીમ રેસીડેન્સીમાં રહેતા અને મૂળ કર્ણાટક રાજ્યના યુવકને સાયબર ટોળકીએ વોટ્સએપના માધ્યમથી શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી તેમજ વધારે નફાની લાલચ આપી રૂપિયા ૨૨.૫૬ લાખની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મુળ કર્ણાટક રાજ્યના મૈસુરની વતની હરિપ્રસાદ એચ.જી.ગોવિંદ નાયકા નામનો ૪૦ વર્ષીય યુવક હાલમાં ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમ રેસીડેન્સીમાં રહે છે. આ યુવકના મોબાઈલ વોટ્સએપ ઉપર કોઈ અજાણ્યા ઈસમે સંપર્ક કર્યો હતો.
તેમણે હરિપ્રસાદ સાથે વાતચીત કરી ‘વીઆઈપી૬૨-જીનિયસ ઇન્વિટેશન કેપિટલ’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કર્યો હતો. ત્યારબાદ આ ગ્રુપમાં સ્ટોક માર્કેટના ચાર્ટ મૂકીને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી યુવકને વિશ્વાસમાં લીધો હતો અને ‘નિર્માઈઈન્ટ’ નામની અંગ્રેજી ભાષાની એક લિંક મોકલી આ લિંકને ઉરિયાદીના મોબાઈલ એપ્લિકેશનમાં ઈન્સ્ટોલ કરાવી હતી. આ મોબાઈલ નંબરવાળા આરોપી ઈસમે પોતાની ખોટી ઓળખ આપી વોટ્સએપ ચેટ દ્વારા રોકાણકાર તરીકે માર્ગદર્શન આપવાનું નાટક કરી રોકાણ કરેલી રકમના ઉંચા પ્રોફ્ટિની લાલચ આપી હતી.
જેથી હરિપ્રસાદ સાયબર ગઠીયાઓની માયાજાળમાં ફસાઈ ગયો હતો અને રૂપિયા ૨૨,૫૬,૦૦૦/-ની મોટી રકમ આ ઠગઈઓએ બતાવેલ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે લાંબો સમય વિતવા છતાં રોકાણ કરાયેલી આ રકમ ઉપર કોઈ નફો ન મળવા સહિત ટ્રાન્સફર કરેલી મૂળ રકમ પણ પરત ન મળતા હરિપ્રસાદને સમજાયું કે તેની સાથે સાયબર ટોળકીએ છેતરપિંડી કરી હતી. ઘટના અંગે અજાણ્યા સાયબર ટોળકી વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


