Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

નવાગામનાં યુવકે લાખો રૂપિયાની છેતરપિંડી કરી, કામરેજ પોલીસે ગુન્હો નોંધ્યો

સુરત જિલ્લાનાં કામરેજમાં સગાઈનાં સંબંધની આડમાં ભાવિ સાસુ અને મંગેતર સાથે યુવકે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં ગાધગળા ગામનાં વતની અને હાલ કામરેજ તાલુકાનાં પાસોદરા પાટિયા સ્થિત વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી ૫૪ વર્ષીય ગૃહિણી અનસૂયાબેન વિનુભાઈ ઠુમ્મરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી ભૂમિકા અગાઉ ‘ફેશન વર્લ્ડ’નામે ઓનલાઈન વેપાર કરતી હતી જેના માટે અનસૂયાબેનના નામે જીએસટી નંબર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભૂમિકાને ખાનગી ઓફિસમાં નોકરી મળી જતા આ ઓનલાઈન વેપાર બંધ કરી દીધો હતો.

આ દરમિયાન ભૂમિકાની સગાઈ મૂળ ભાવનગર જિલ્લાના જસપરા ગામના વતની અને હાલ નવાગામ પાસોદરા પાટિયા ખાતે નવકાર રેસિડેન્સી ફ્લેટ નં.ક્યુ-૨૦૨માં રહેતા જયદીપ જાદવભાઈ સભાડિયા સાથે થઈ હતી. જોકે સગાઈ બાદ પરિવારમાં અવરજવર વધતા જયદીપે ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રેડિંગનાં કામ માટે જીએસટી નંબર તેમજ બેંક ખાતાની જરૂર હોવાનું જણાવી ભાવિ સાસુનો વિશ્વાસ કેળવ્યો હતો. લગ્ન નક્કી થયેલા હોવાથી કોઇ ગેરરીતિ નહીં થાય તેવી ખાતરી આપતા પરિવારે અનસૂયાબેનના નામે આઈ ડીએફસી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું અને જીએસટી નંબર સાથે ૨૫ સહી કરેલા કોરા ચેક જયદીપને સોંપ્યા હતા.

જોકે થોડા સમય બાદ પારિવારિક મનમેળ ન બેસતા આ સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટતા પરિવારે જીએસટી નંબરનો ઉપયોગ બંધ કરવા અને સહી કરેલ કોરા ચેક પરત માંગ્યા હતા પરંતુ આરોપી જયદીપે તમામ ચેક ધંધામાં વપરાઈ ગયા હોવાનું કહી પરત આપ્યો નહોતા. આ ઘટના બાદ રૂદ્રાક્ષ પોલીયાર્ન એલએલપી નામની પેઢી તરફથી અનસૂયાબેનના ઘરે ચેક રિટર્નની કાનૂની નોટિસ આવતા પરિવાર ચોકી ઉઠ્યો હતો. તપાસ કરતા સામે આવ્યું કે, જયદીપે આ પેઢીમાંથી રૂપિયાનું ૨૨,૬૦,૫૭૧/-નું યાર્ન ખરીધું હતું અને સિક્યુરિટી પેટે અનસૂયાબેનને સહીવાળો ચેક આપ્યો હતો.

પેમેન્ટ નહીં ચૂકવતા પેઢીએ ચેક જમા કરાવ્યો હતો, જે બાઉન્સ થતા વ્યાજ અને નુકસાનીના રૂપિયા ૬,૭૭,૭૧૦/-નો ઉમેરો કરી કુલ રૂપિયા ૨૮,૯૯,૯૬૨/-ની વસૂલાતની નોટિસ ફરિયાદીને મોકલાઈ હતી. જોકે આ મામલે પરિવારે જયદીપનો સંપર્ક કરતા તેણે નોટરી રૂબરૂ લખાણ કરી આપી તમામ નાણાકીય જવાબદારી પોતાની હોવાનું સ્વીકારી ૧૫ દિવસમાં રકમ ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી તેણે નાણાની ભરપાઈ ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે આખરે પરિવારે મામલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે જયદીપ જાદવભાઈ સભાડિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!