વલસાડ જિલ્લાનાં ભિલાડ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીકથી બસની સીટ નીચે બનાવેલા ચોરખાનામાં છુપાવેલો રૂપિયા ૨.૫૬ લાખનો વિદેશી દારૂ કબ્જે કરી પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ, ભિલાડ પોલીસ સ્ટાફનાં માણસો હાઈવે પર પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મુંબઈ તરફથી આવતી રજિસ્ટ્રેશન નંબર વગરની બસમાં સુરત તરફ દારૂ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે નાકાબંધી ગોઠવી હતી.
બાતમીવાળી બસ આવતા તેને રોકી બસની તલાશી લેતા સીટોની નીચે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી બિયરના ટીન અને વિદેશી દારૂની બોટલો કુલ ૧,૩૧૨ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨,૫૬,૬૫૦/-મળી મળી હતી. આમ, પોલીસે બસ ચાલક સચિન કાંબળે (રહે.ચાલીસગાંવ, છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્ર), હાર્દિક રાજપૂત (રહે.બાપુનગર, અમદાવાદ) અને રોશન પવાર (રહે.નરોડા પાટીયા, અમદાવાદ)ની અટકાયત કરી હતી. આમ, દારૂ અને ૨૫ લાખની બસ તથા ૩ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૭,૭૬,૬૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે વધુ પૂછપરછમાં આ દારૂનો જથ્થો સુરતના કાંતિ પટેલ નામના શખ્સે મંગાવ્યો હોવાની કબૂલાત કરતા ભિલાડ પોલીસે કાંતિ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


