વલસાડ જિલ્લાનાં અબ્રામા ખાતે એક સોસાયટીમાં રહેતી વૃદ્ધ મહિલાને બાઇક પર કુરિયરવાળાના સ્વાંગમાં આવેલા ઠગે કવર દેખાડીને, તમારું પાર્સલ છે કે કેમ ? તેમ પૂછીને મહિલાને નજીક બોલાવ્યા બાદ તેણી કંઈ સમજે તે પહેલા મહિલાના ગળામાંથી ૨ તોલા વજનની સોનાની ચેઈનની ચીલઝડપ કરી ભાગી છૂટ્યો હોવાનોઘટના બની હતી. મળતી માહિતી મુજબ, અબ્રામા ખાતે આવેલ તડકેશ્વર મંદિરની પાછળના ભાગે આવેલ પ્રમુખ શિવાલય નામની સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં રહેતા આશરે ૬૫ વર્ષીય સરોજબેન કક્કડ નામના મહિલા આજે બપોરે તેમના ઘરમાં બેઠા હતાં.
જોકે બપોરે સમયે એક અજાણ્યા ઈસમે સરોજબેનના ઘરની બહાર ઊભા રહીને બૂમ મારતા બહાર આવેલ મહિલાને ઠગભગતે પોતાના હાથમાંનું કવર બતાવીને, આ પાર્સલ પર તમારો મકાન નંબર લખેલો છે. તમારું જ પાર્સલ છે ને ? તેમ પૂછતા ઉત્સુકતાવશ મહિલા ગઠિયાની નજીક પહોંચી કવર પર લખેલ સરનામું વાંચવાનો પ્રયાસ કરતી હતી, એ જ સમયે ચીટરે મહિલાની નજર ચૂકવીને તેમના ગળામાંથી ૨ તોલા વજનની સોનાની ચેઈન આંચકીને આંખના પલકારામાં બાઇક પર બેસીને ભાગી છૂટ્યો હતો. જે અંગેની જાણ તરત પોલીસને કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી સોસાયટીમાં તેમજ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે ભાગી છૂટેલા બાઇક ચાલક ગઠિયાને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી.(સૌજન્ય)


