નવસારી જિલ્લાનાં ચીખલીના હોન્ડ ગામે વિધવા સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ કુહાડીથી હુમલો કરવાના બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાનાં હોન્ડ ગામના ભાઠિયા ફળિયા ખાતે રહેતા ખંડુ ધીરુભાઈ હળપતિ મંગળવારની રાત્રીના આઠેક વાગ્યાના સમય દરમિયાન ફળિયામાં રહેતી મંગીબેનના ઘરે મિત્ર સાથે બેઠા હતા. દરમિયાન એ જ ફળિયામાં રહેતા રાજુ સુમન હળપતિ ત્યાં હાથમાં કુહાડી લઈ આવી જણાવ્યું કે, મારી વિધવા ભાભી સાથે તું આડા સંબંધ કેમ રાખેલ છે તેમ કહી બોલાચાલી, ગાળાગાળી કરી કુહાડીથી હુમલો કર્યો હતો.
બનાવમાં ખંડુ હળપતિને માથાના કપાળના ભાગે ઈજા થઈ હતી. વધુ મારથી બચવા નાસવા જતા ફરી કુહાડી વડે ખભાના ભાગે માર મારતા બૂમાબૂમ કરતા ફળિયાના માણસો ભેગા થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યારે સામા પક્ષે રાજુ સુમનભાઈ હળપતિ રાત્રીમાં સમયે ફળિયામાં જતા હોય દરમિયાન ખંડુભાઈનું મારા ભાભી સાથે આડા સંબંધ હોવાનો શક હોય, તેઓને સંબંધ બાબતે ઠપકો આપવા ગયો હતો. દરમિયાન બોલાચાલી, ગાળાગાળી કરી ખંડુભાઇએ લાકડાના ફટકા વડે માર મારતા નાક ઉપર ફેક્ચર કર્યું હતું. સ્વબચાવમાં હુમલો કરતા બૂમાબૂમ કરતા ફળિયાના માણસો ભેગા થઈ ગયા હતા અને સારવાર અર્થે મને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.(સૌજન્ય)


