ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા બનાવટી ડેરી એનાલોગ્સ સામે રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં બે દિવસમાં રાજ્યની 842 વેપારી પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
તા. 6 અને 7 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં આરોગ્ય માટે હાનિકારક અને ભેળસેળયુક્ત હોવાનું જણાયેલા 1,705 કિલોગ્રામ પનીર તથા ચીઝ એનાલોગ્સનો અંદાજે રૂ. 5.28 લાખનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.તા. 6 ઓગસ્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 471 કિલો, સુરતમાં 235 કિલો અને રાજકોટમાં 115 કિલો ડેરી એનાલોગ્સનો નાશ કરાયો હતો. જ્યારે તા. 7 ઓગસ્ટે જૂનાગઢ જિલ્લામાં 585 કિલો, સુરતમાં 27 કિલો અને જામનગરમાં 29 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ભેળસેળિયા વેપારીઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. દૂધ, પનીર કે ચીઝના નામે બનાવટી પ્રોડક્ટ્સનું વેચાણ કરનાર વેપારી કે ઉત્પાદક સામે કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આવી તપાસ અને ઝુંબેશ ચાલુ રહેશે.


