Explore

Search

June 19, 2026

Contact us -7820092500

IAS Coaching

ગુજરાતની બે મેડિકલ કોલેજમાં રેગિંગનો મોટો વિવાદ : 9 રેસિડન્ટ ડોક્ટર સસ્પેન્ડ, તપાસ માટે સમિતિ રચાઈ

ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં રેગિંગના ગંભીર મામલાએ ફરી ચર્ચા જગાવી છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને ભાવનગરની સર ટી. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના કુલ નવ રેસિડન્ટ ડોક્ટરોને રેગિંગના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં અમદાવાદના ત્રણ અને ભાવનગરના છ ડોક્ટરોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ સસ્પેન્ડ ડોક્ટરો ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલા છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ભાવનગર મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિને ગુરુવાર સાંજ સુધીમાં તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. અહેવાલના આધારે જવાબદાર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ફરિયાદ મુજબ ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડન્ટ ડોક્ટરોને છેલ્લા પાંચ મહિનાથી બીજા વર્ષના છ સિનિયર રેસિડન્ટ ડોક્ટરો દ્વારા સતત માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પીડિતોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ એન્ટી રેગિંગ સ્કવોડે છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ શરૂ કરી છે.

ભોગ બનનાર જુનિયર ડોક્ટરોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે સિનિયર વિદ્યાર્થીઓ દર મહિને આશરે અઢી લાખ રૂપિયા ઉઘરાવતા હતા અને તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો પણ મંગાવતા હતા. વિરોધ કરનારને વિવિધ પ્રકારની સજા આપવામાં આવતી હતી.ફરિયાદમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે રાત્રિના સમયે જુનિયર ડોક્ટરોને ‘કુકડા’ બનાવવામાં આવતા હતા તેમજ કલાકો સુધી એક પગે ઊભા રહેવાની સજા આપવામાં આવતી હતી. ઉપરાંત ટ્રોમા સેન્ટરની બહાર જવાની મનાઈ, પૂરતો આરામ કે જમવાનો સમય ન આપવો જેવી અમાનવીય હરકતો પણ કરવામાં આવતી હતી.

જુનિયર ડોક્ટરોના જણાવ્યા અનુસાર એક્સ-રે વિભાગમાં ફરજ દરમિયાન રેડિયેશનથી બચવા માટે જરૂરી લેડ એપ્રન પણ પહેરવા દેવામાં આવતું નહોતું, જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેવી બાબત છે.ફરિયાદમાં વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 15 દિવસથી જુનિયર ડોક્ટરોને ન્હાવા સુધી દેવામાં આવ્યા નહોતા. સતત થઈ રહેલા આ ત્રાસથી કંટાળીને તમામ 13 જુનિયર ડોક્ટરોએ હિંમત કરીને લેખિત અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે હવે સમગ્ર મામલે સત્તાવાર તપાસ ચાલી રહી છે.

Advertisement
error: Content is protected !!