
વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તાર સ્થિત એક જાણીતા જ્વેલરી શૉરૂમમાં દાગીનાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર એક મહિલાને સ્ટાફની સતર્કતાના કારણે ઝડપી લેવામાં આવી હતી. મહિલાએ અંદાજે એક લાખ રૂપિયાની કિંમતની વીંટી અને કાનની બુટ્ટી ચોરી કરી મોઢામાં છુપાવી દીધી હતી. જોકે, સમયસર શંકા જતાં સ્ટાફે દાગીના પરત મેળવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આશરે 50 વર્ષની ઉંમરની એક મહિલા સજ્જડ વેશભૂષામાં શૉરૂમમાં આવી હતી. તેણે દાગીના જોવા દરમિયાન કર્મચારીઓને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. આ દરમિયાન તેણે એક વીંટી અને કાનની બુટ્ટી ચોરી કરીને મોઢામાં સંતાડી દીધી હતી.મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતાં સ્ટાફે દાગીનાની ચકાસણી કરી હતી. ગણતરી દરમિયાન કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં કર્મચારીઓએ મહિલાની પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ બાદ મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી અને મોઢામાંથી દાગીના બહાર કાઢીને પરત આપ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મહિલાએ અગાઉ પણ જ્વેલરી શૉરૂમોમાં ચોરી કર્યાની માહિતી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની માનસિક સ્થિતિ સ્થિર ન જણાતાં અને ચોરી થયેલા દાગીના પરત મળી જતાં શૉરૂમના માલિકોએ તેની સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. પરિણામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કર્યા વિના મહિલાને મુક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.


