Explore

Search

May 28, 2026

Contact us -7820092500

IAS Coaching

નવો મોબાઈલ ન મળતા કિશોરે ઈન્સ્ટાગ્રામ પર મૂકી આત્મહત્યાની સ્ટોરી, ડોલવણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને જીવ બચાવ્યો

સોશિયલ મીડિયા પર સ્યુસાઇડ કરવાની પોસ્ટ મૂકીને જીવન ટૂંકાવી લેવાની ચેતવણી આપતા એક સગીર વયના બાળ કિશોરને ડોલવણ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે. પોલીસે સમયસૂચકતા વાપરી કિશોરનું યોગ્ય કાઉન્સિલિંગ કરી તેને પરિવારને સોંપતા એક મોટી હોનારત ટળી છે.

મળતી માહિતી મુજબ, તાપી-વ્યારાના પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.નરવાડેના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન સી.આઈ.ડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝ તરફથી ડોલવણ પોલીસ સ્ટેશનને એક મહત્વની સૂચના મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વ્યક્તિએ આત્મહત્યા કરી લેવા અંગેની સ્ટોરી (પોસ્ટ) મૂકી છે. મામલાની ગંભીરતાને સમજીને ડોલવણ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સ્ટોરી ડોલવણના બેડચીત ગામના એક બાળ કિશોરે મૂકી હતી. પોલીસે સહેજ પણ સમય બગાડ્યા વિના લોકેશન ટ્રેસ કરીને કિશોરને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો.

 

જ્યારે પોલીસે આ કિશોરની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કિશોરને એક નવો મોબાઈલ ફોન જોઈતો હતો, પરંતુ તેની માતાએ નવો ફોન અપાવવાની ના પાડતા તે ગુસ્સે ભરાયો હતો. માતાને ડરાવવા અને જીદ પૂરી કરવાના આશયથી તેણે ઈન્સ્ટાગ્રામ પર આત્મહત્યા કરી લેવાની સ્ટોરી પોસ્ટ કરી દીધી હતી.

 

ડોલવણ પોલીસે કિશોર અને તેના વાલીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યાં ફરજ પરના અધિકારીઓએ કિશોરને પ્રેમથી સમજાવીને તેનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. જીવનનું મૂલ્ય સમજાવી, ભવિષ્યમાં ક્યારેય સોશિયલ મીડિયા પર આવી જોખમી પોસ્ટ ન મૂકવા તથા આવું પગલું ન ભરવા માટે તેની વિગતવાર સમજ આપી હતી. ત્યારબાદ કિશોરનો કબજો તેના વાલીને સોંપવામાં આવ્યો હતો. પોલીસે સમયસર નબળી ક્ષણે બાળકનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

 

આ પ્રશંસનીય અને સફળ કામગીરીમાં ડોલવણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.ગામીત, એ.એસ.આઈ મયુરભાઈ અજયસિંહ, અ.હે.કો કલ્પેશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો કમલેશભાઈ ધનસુખભાઈ, અ.પો.કો અમિતભાઈ જાબુભાઇ તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ સ્મિતલબેન સુખાભાઈ જોડાયા હતા.

Advertisement
error: Content is protected !!