સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં પુના ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક પાર્ટની બનાવટી બિલોના ઓથા હેઠળ કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી લઈ જવાનો કીમિયો નિષ્ફળ બનાવી સુરત જિલ્લા એલ. સી. બી. ની ટીમે રૂપિયા ૧૯.૫૭ લાખથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ ૩૪.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલ. સી. બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કન્ટેનરનો ચાલક પોતાના કબજાના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નવાપુર, સોનગઢ, માંડવી થઈ અંકલેશ્વર આપવા જનાર છે.
જે બાતમીના આધારે સુરત જિલ્લા એલ. સી. બી. અલગ-અલગ ટીમે સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં પુના ગામની હદમાં માંડવી-કીમ રોડ પર નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન બાતમી અનુસાર કન્ટેનર આવતા જ પોલીસે તેને રોકી ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. આમ, પોલીસે કન્ટેનરમાં ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ ભરેલા હોવાનું જણાવી બિલ તથા ચલણ વગેરે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા,
તેમ છતાં ખરાઈ કરવા માટે કન્ટેનરનું શીલ તોડી અંદર તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદરથી કુલ ૯૩૦૦ દારૂની બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧૯,૫૭,૩૩૨/- પોલીસે કબજે લીપો હતી. પોલીસે ચાલક આરોપી લાખારામ બશારામ જાટ (ઉ.વ.૪૦, બુણીયા ગામ,તા.શેડવા,જી.બાડમેર,રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરી આપનાર અશોક, મોકલનાર શ્રવણ અને મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે કુલ ૩૪.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

