નવસારી ખાતે રહેતી અને મૂળ વલસાડ તાલુકાના એક ગામની પરિણીતાએ બીજી વખત પણ પ્રેમલગ્ન કરતા તેનો દ્વેષ રાખીને સગી નાની બહેને મોટી બહેનને સમાજમાં બદનામ કરવાને ઈરાદે ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવીને તેના પરથી બહેન અને બનેવીના ફોટા સાથે વાંધાજનક લખાણ લખી પોણા બે વર્ષ પહેલા પોસ્ટ વાયરલ કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ વલસાડ જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, મૂળ વલસાડ તાલુકાના એક ગામની ૩૩ વર્ષીય મહિલા હાલ નવસારી જિલ્લાના એક ગામની પોસ્ટ ઓફિસમાં સિનિયર પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે અને બીલીમોરા ખાતે રહે છે. 
તેણીએ વર્ષ-૨૦૧૯માં વાંસદા તાલુકાના નરેશ (નામ બદલ્યું છે) સાથે પ્રેમલગ્ન કર્યા બાદ બંને વચ્ચે વિખવાદ થતાં જૂન-૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા. તે પછી તેણીએ સપ્ટેમ્બર-૨૦૨૩માં વલસાડના એક ગામના રહીશ સ્નેહલ (નામ બદલ્યું છે) સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. હાલ દંપતીને ૮ માસનો પુત્ર છે. આ દંપતી અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ધરાવે છે. દરમિયાન ગત તારીખ ૧૦-૦૯-૨૩ નારોજ મીરાબેનના પતિ સ્નેહલ બંનેના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તેમના ફોલોઅર્સે બંનેને શુભકામના પાઠવતા મેસેજ પોસ્ટ કર્યા હતા.
તે વખતે બંનેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર એક આઈ.ડી. પરથી મીરાબેનના બીજા લગ્ન બાબતે વાંધાજનક પોસ્ટ નવદંપતીના ફોટો સાથે આવતા ચોંકી ઉઠેલા મીરાબેને પતિને જાણ કરવા ઉપરાંત રાષ્ટ્રીય સાઈબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસે વાંધાજનક પોસ્ટ જે આઈ.ડી. પરથી વાઈરલ કરાઈ હતી, તેની તપાસ કરતા એ આઈ.ડી. ફેક હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં ફરિયાદી મીરાબેનની બદનામી થાય તે મુજબની પોસ્ટ તેણીની સગી નાની બહેન રિંકલ પરમારે ફેક આઈ.ડી. બનાવીને વાયરલ કરી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગી નાની બહેનની કરતૂતથી ડઘાઈ ગયેલી મોટી બહેને આ બાબત પરિવારને લગતી હોવાથી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળતા મળતા આખરે પોણા બે વર્ષ બાદ આરોપી નાની બહેન સામે વલસાડ જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

