સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે માંડવી પોલીસ સ્ટેશનના લિસ્ટેડ બુટલેગર દ્વારા મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ મગતરાથી પીપલવાડા જતાં માર્ગ પરથી ઝડપી પાડયો હતો. નિશાન ટેરેનો ફોરવ્હીલ કારમાંથી ૧.૫૭ લાખથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ ૬.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી. પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, એક ગ્રે કલરની નિશાન ટેરેનો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે ઉકાઈ-મગતરા થઈ પીપલવાડા ગામ તરફ જનાર છે. 
જેથી મગતરાથી પીપલવાડા ગામ તરફ જતા રસ્તા પર બ્રીજના છેડા પર નાકાબંધી ગોઠવી હતી. જેથી બાતમીવાળી નિશાન ટેરેનો કાર આવતા તેને રોકવામાં આવી હતી અને તેની ઝડતી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સુગંધી સંત્રા અને ૮૮૮ ટીન બિયરની બોટલ મળી કુલ કિંમત રૂપિયા ૧,૫૭,૬૮૦/- જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક અજયભાઈ મહેશભાઈ ગામીત (રહે.વાંકવેલ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) અને તેની બાજુમાં બેઠેલા ઇસમ રઘુભાઈ આવસીયાભાઈ ગામીત (રહે.બેડવણખડકા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)ની ધરપકડ કરી હતી. આમ, પોલીસે નિશાન ટેરેનો ફોરવ્હીલ કાર, ૨ મોબાઈલ ફોન અને રોકડા મળી કૂલ રૂપિયા ૬,૭૮,૬૩૦/-નો મુદ્દામાલ કર્યો હતો. આમ, પોલીસે આ ગુન્હામાં મનાભાઈ ઉર્ફે મુન્નો નૂરિયાભાઈ ગામીત (રહે.ગુણસદા) અને મેહુલ જશવંત ચૌધરી (રહે.ભાતખાઈ,માંડવી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

