રાજ્યમાં છેલ્લા બે દિવસથી બંધ રહેલો વરસાદ ફરી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. તારીખ 10થી 14 જૂલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે તાપી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 14 જુલાઈ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને કરંટ હોવાથી માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના અપાઈ છે.

