કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. જેમાં માંડવી, અંજાર અને ગાંધીધામમાં આ દિવસોમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. વરસાદથી નદી નાળા છલકાયા હતા નખત્રાણામાં પાણીની આવક થતા તરા ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત જીવાદોરી સમાન ઝુરાનો કાયલા ડેમ ઓવરફ્લો થતા તંત્રએ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા. નદીપટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. 
ધોધમાર વરસાદનાં કારણે રસ્તાઓનું ધોવાણ થતાં નાના ભાડિયાથી માંડવીને જોડતો રસ્તો બંધ થયો હતો. વરસાદી નાળાની સફાઇ પાછળ લાખોનો ખર્ચ છતા સામાન્ય વરસાદ પડતા જ મોટાભાગના વિસ્તારોમાં કેમ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વરસાદી પાણી ભરાવાના કારણે ઓફિસ જનારા અને શાળાએ જતા બાળકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એક સ્કૂલ રીક્ષા વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાવાથી શહેરીજનો પરેશાન થયા હતા. પોતાના રોજિંદા કાર્યો પૂરા કરવા ભારે જહેમત બાદ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ અને અંજારમાં પણ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકતા શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા. સવારના 8 થી 10ની વચ્ચે વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ભારે વરસાદથી ભુજમાં વરસાદી પાણી ભરાયા હતા. જયારે સુખપર નજીક રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો.

