ભાવનગરનાં વરતેજ પોલીસ મથક નજીક આવેલ કાંટા પાસે બનાવેલા પાણી ભરેલ હોજમાં યુવકે અકસ્માતે પડી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ બ્રિગેડને કરતા ફાયર સ્ટાફે પાણી ભરેલા હોજ માંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વરતેજ પોલીસને સોંપ્યો હતો. 
બનાવની જાણવા મળતી વિગત મુજબ, વરતેજ ખાતે રહેતા દિલીપભાઈ લક્ષ્મણભાઈ પરમાર બપોરના સમયે વરતેજ પોલીસ મથક નજીક આવેલા કાંટા પાસે ઊભા હતા. તેવામાં અકસ્માતે બાજુમાં બનાવેલા પાણી ભરેલા ૧૨ ફૂટ ઊંડા હોજમાં ખાબક્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો અને દિલીપભાઈનો મૃતદેહ ભારે શોધખોળ બાદ બહાર કાઢી વરતેજ પોલીસને સુપ્રત કરતા વરતેજ પોલીસે મૃતદેહની પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

