તાપી જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન-૨૦૨૫ ના રોજ શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ના ભાગરૂપે આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસ તન્વી પટેલની અધ્યક્ષતામાં વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાઓની આંગણવાડી કેન્દ્રોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ્રવેશોત્સવ અંતર્ગત ત્રણ વર્ષ પૂર્ણ થયેલા નાના ભૂલકાઓનું આંગણવાડીમાં હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે બાળકાને કંકું-ચોખાનો તિલક કરી, કંકુ પગલાં કરાવી, ટોપીઓ પહેરાવી અને ફૂલોની વર્ષા સાથે અંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ભૂલકાઓને પ્રિ-સ્કુલ કીટ આપવામાં આવી હતી. જેમાં રમતગમત ભાગ-૧, ચિત્રપોથી, રમકડાં, મારી વિકાસયાત્રા તથા બે જોડી યુનિફોર્મ સહિતના સામાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જૂન-૨૦૨૫ મહિનામાં તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં કુલ ૧,૪૮૭ બાળકોએ પ્રવેશ લીધો છે. જેમાં ૭૬૯-કુમાર અને ૭૧૮-કન્યાનો સમાવેશ થાય છે. સાથે જ પાંચ વર્ષ પૂર્ણ કરનાર કુલ ૬,૭૯૭ બાળકો (કુમાર-૩,૭૯૫ અને કન્યા-૩,૭૬૩) એ આંગણવાડી છોડીને બાલવાટિકા/શાળાઓમાં પ્રવેશ કર્યો છે. આ કાર્યક્રમ આંગણવાડી કાર્યકર્તાઓ, સહાયિકાઓ તથા માતા-પિતાના સક્રિય સહકારથી આનંદમય અને ઉલ્લાસભેર વાતાવરણમાં સંપન્ન થયો હતો.

