વલસાડ નજીકના વાઘલધારા હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે ચીખલીના ઘેજ ગામના રહીશ અને ચીખલી મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીની મોપેડને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોપેડચાલકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ચાલક તરત જ ટ્રક હંકારીને ભાગી ગયો હતો.
મળતી વિગતો મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામના ભગત ભરડા ફળિયામાં રહેતા ભાવિકભાઈ રમણલાલ પટેલ, ચીખલી મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પત્ની મિત્તલબેન અને ૧૨ વર્ષીય પુત્ર ધ્યેય સહિતના પરિજનો સાથે રહેતા હતા. ભાવિકભાઈ મોપેડ લઈને શનિવારે મોડી સાંજે વલસાડના વાઘલધારા ગામના સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રક નંબર જીજે/૨૭/ટીટી/૯૪૭૩ના ચાલકે ભાવિકભાઈની મોપેડને ટક્કર મારી હતી. આ સાથે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાવિકભાઈનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જનાર ચાલક તેની ટ્રક હંકારીને ફરાર થઈ ગયો હતો. જે બાબતે મૃતકના મોટા ભાઈ નિરવભાઈ પટેલે ટ્રકચાલક સામે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


